કોરોનાના રસીકરણ અભિયાનમાં આવી શકે છે મોટી અડચણ, જાણો આ નવા વિવાદ 'Pork Gelatin' વિશે
જીલેટિન એક એવી વસ્તુ છે કે જે જાનવરોની ચરબીમાંથી મળે છે. ડુક્કરની ચરબીમાંથી મળતા જીલેટિનને પોર્કીન જીલેટિન કે પોર્ક જીલેટિન કહે છે. દવાઓ બનાવવામાં જીલેટિનનો ઉપયોગ અનેક પ્રકારે થાય છે. રસીમાં તેનો ઉપયોગ એક સ્ટેબિલાઈઝર તરીકે થાય છે.
Trending Photos
નવી દિલ્હી: કોવિડ-19 રસીકરણ અભિયાનમાં હવે આ જે નવો વિવાદ ઊભો થયો છે તે મોટી અડચણ બની શકે છે. રસી બનાવવામાં પોર્ક જીલેટિનના ઉપયોગનો મુદ્દો ઉઠ્યા બાદ કેટલાક સમુદાયો વચ્ચે હવે તેને લઈને વિવાદ છેડાઈ ગયો છે. જેની અસર હવે રસીકરણ અભિયાન પર પડી શકે છે. એસોસિએટેડ પ્રેસ સાથે વાતચીતમાં બ્રિટિશ ઈસ્લામિક મેડિકલ એસોસિએશનના મહાસચિવ સલમાન વકારનું કહેવું છે કે ઓર્થોડોક્સ યહુદીઓ અને મુસલમાનો સહિત વિભિન્ન ધાર્મિક સમુદાયો વચ્ચે આ રસીના ઉપયોગને લઈને અસમંજસની સ્થિતિ છે. તેઓ ડુક્કરના માંસમાંથી બનેલા ઉત્પાદનોનો ઉપયોગ ધાર્મિક રીતે અપવિત્ર ગણે છે. પોર્ક જીલેટિન શું છે અને રસી બનાવવામાં તેનો ઉપયોગ કઈ રીતે થાય છે, કોવિડ રસીને લઈને ધાર્મિક દ્રષ્ટિકોણથી શું ડેવલપેન્ટ છે તે જાણીએ...
કોરોના રસી અંગે આ વિવાદ ક્યારથી શરૂ થયો?
રસીમાં પોર્ક જીલેટિનનો ઉપયોગ થયો છે કે નહીં? રસી અને પોર્ક જીલેટિનને લઈને વિવાદની શરૂઆત ઈન્ડોનેશિયાથી થઈ. ત્યાંના મુસ્લિમ સમુદાયો વચ્ચે એ વાત ઝડપથી ફેલાઈ ગઈ કે રસીમાં ડુક્કરના માંસનો ઉપયોગ થયો છે જે 'હરામ' છે. ધીરે ધીરે દુનિયાની મોટી મુસ્લિમ વસ્તી વચ્ચે તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ. ત્યારબાદ ધર્મગુરુઓએ આગળ આવીને નિવેદન બહાર પાડ્વા પડ્યા છે. ઈસ્લામિક ધર્મગુરુઓ વચ્ચે આ વાતને લઈને અસમંજસ છે કે ડુક્કરના માંસનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી રસી ઈસ્લામિક કાયદા પ્રમાણે યોગ્ય છે કે નહીં.
પોર્ક જીલેટિન: પહેલા પણ થઈ ચૂક્યો છે વિવાદ
રસીમાં પોર્ક જીલેટિનના ઉપયોગને લઈને વિવાદ નવો નથી. સૌથી વધુ મુસ્લિમ વસ્તીવાળા ઈન્ડોનેશિયામાં 2018માં ઉલેમા કાઉન્સિલે ચેચક અને રૂબેલાની રસીઓમાં પોર્ક જીલેટિનની હાજરી ગણાવીને તેને 'હરામ' ગણાવી હતી. ત્યારબાદ ધર્મગુરુઓએ બાળકોને આ રસી ન મૂકાવવાની અપીલ કરી હતી. જો કે બાદમાં કાઉન્સિલે રસી મૂકાવવાની છૂટ તો આપી પણ શરૂઆતમાં ઊભા થયેલા માહોલના પગલે મોટી સંખ્યામાં બાળકો રસીકરણથી વંછિત રહી ગયા.
દુનિયાભરની કંપનીઓએ શું કહ્યું?
એપીના જણાવ્યાં મુજબ Pfizer, Moderna, અને AstraZeneca ના પ્રવક્તાઓએ કહ્યું કે તેમની કોવિડ-19 રસીમાં ડુક્કરના માંસમાંથી બનેલા ઉત્પાદકોનો ઉપયોગ થયો નથી. અનેક કંપનીઓએ એવી છે કે જેમણે હજુ સુધી એ સ્પષ્ટ નથી કર્યું કે તેમની રસીઓમાં ડુક્કરના માંસમાંથી બનેલા ઉત્પાદકોનો ઉપયોગ થયો છે કે નહીં.
પોર્ક જીલેટિન શું છે? રસીમાં કેવી રીતે થાય છે તેનો ઉપયોગ
જીલેટિન એક એવી વસ્તુ છે કે જે જાનવરોની ચરબીમાંથી મળે છે. ડુક્કરની ચરબીમાંથી મળતા જીલેટિનને પોર્કીન જીલેટિન કે પોર્ક જીલેટિન કહે છે. દવાઓ બનાવવામાં જીલેટિનનો ઉપયોગ અનેક પ્રકારે થાય છે. રસીમાં તેનો ઉપયોગ એક સ્ટેબિલાઈઝર તરીકે થાય છે. એટલે કે પોર્ક જીલેટિન એ સુનિશ્ચિત કરે છે કે રસી સ્ટોરેજ દરમિયાન સુરક્ષિત અને અસરકારક રહે. રસી બનાવનારી કંપનીઓ અનેક પ્રકારના સ્ટેબિલાઈઝર્સ પર ટેસ્ટ કરે છે. જે યોગ્ય ઠરે તેનો ઉપયોગ કરે છે. રસીમાં ઉપયોગમાં લેવાનારા જીલેટિન ખુબ જ પ્યુરિફાઈડ હોય છે. જેને પેપ્ટાઈડ્સમાં તોડીનો ઉપયોગમાં લેવાય છે.
પોર્ક જીલેટિન વગર બની શકે રસી?
યુકેની નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યાં મુજબ અલગ સ્ટેબિલાઈઝર સાથે રસી ડેવલપ કરવામાં ફરીથી વર્ષો વીતી શકે છે. એવું પણ બની શકે કે રસી ન બની શકે. કેટલીક કંપનીઓ ડુક્કરના માંસ વગર રસી વિક્સિત કરવા માટે અનેક વર્ષ સુધી કામ કરી ચૂકી છે. સ્વિટ્ઝરલેન્ડની દવા કંપની 'Novartis' એ ડુક્કરના માંસનો ઉપયોગ કર્યા વગર મેનેન્જાઈટિસની રસી તૈયાર કરી હતી જ્યારે સાઉદી અને મલેશિયા સ્થિત કંપની એજે ફાર્મા પણ આવી જ રસી બનાવવાના પ્રયત્નો કરી રહી છે.
રસીમાં પોર્ક જીલેટિન!, મુસ્લિમ સમુદાય શું કરે?
સંયુક્ત આરબ અમીરાતના ફતાવા કાઉન્સિલે કહ્યું કે જો રસીમાં જીલેટિન હશે તો પણ મુસ્લિમો તેનો ઉપયોગ કરી શકે છે. કાઉન્સિલના ચેરમેન શેખ અબ્દુલ્લા બિન વય્યાએ કહ્યું કે જો કોઈ અન્ય વિકલ્પ ન હોય તો રસીને લઈને ઈસ્લામમાં ડુક્કર પર લગાયેલા પ્રતિબંધો લાગુ નહીં થાય. તેમણે કહ્યું કે રસીના મામલે પોર્ક જીલેટિન દવાની કેટેગરીમાં આવે છે, ખાવાની કેટેગરીમાં નહીં. આ બાજુ સીડની યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર ડોક્ટર હરનૂર રાશિદ કહે છે કે એવી સામાન્ય સહમતિ બની છે કે તે ઈસ્લામ કાયદા હેઠળ સ્વીકાર્ય છે, કારણ કે જો રસીનો ઉપયોગ નહીં કરાયો તો 'ખુબ નુકસાન' થશે.
યહુદી પણ લઈ શકે છે રસી
ઈઝરાયેલના રબ્બાની સંગઠન જોહરના અધ્યક્ષ રબ્બી ડેવિડ સ્ટેવે કહ્યું કે યહુદી કાયદા મુજબ ડુક્કરનું માંસ ત્યારે જ ખાઈ શકાય કે ઉપયોગમાં લઈ શકાય કે જ્યારે તેના વગર કામ અશક્ય હોય. તેમણે કહ્યું કે જો તેને ઈન્જેક્શન તરીકે લેવામાં આવે અને ખાવામાં ન આવે તો તેમ કરી શકાય, તેમાં કોઈ સમસ્યા નથી. બીમારીની સ્થિતિમાં તેનો ઉપયોગ વિશેષ રીતે કરી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે